નમસ્કાર મિત્રો,ગુજરાત રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સામયિક મૂલ્યાંકન અંતર્ગત પ્રથમસત્રની ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટી લેવાની થાય છે, જે અંતર્ગત નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ આપના જિલ્લાના તાબા હેઠળની શાળાઓમાં વર્ષ 2026-27 પ્રથમ સત્ર ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટી યોજવા માટે યોગ્ય કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.
પ્રથમ ત્રિમાસિક કસોટી:
- ચાલુ વર્ષ 2026-27માં સદર ત્રિમાસિક કસોટી ધોરણ 3 થી 8માં પ્રથમ સત્રમાં તારીખ 17 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન દરેક વિષયની 40-40ગુણની એક-એક કસોટી લેવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક આ સાથે (પરિશિષ્ટ- અ) સામેલ છે.
- સદર કસોટી માટે જી.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે 15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જી.સી.ઈ.આર.ટી.ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
- સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળે એ હેતુસર જી.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરીને આપવામાં આવશે.
- શિક્ષકે સદર 40 ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.
- કસોટી કોમ્પીટન્સી-લર્નિંગ આઉટકમ્સના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિ ટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે. આ કસોટીમાં 30% પ્રશ્નો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ જેવી કસોટીમાં પૂછાતા MCQ પ્રકારનાં પૂછવાનાં રહેશે.
- ધોરણ અને વિષયવાર પ્રશ્નબેંક રાબેતા મુજબ શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal (http://schoolattendancegujarat.in/) પર તેમજ દરેક ઈ-મેલ આઈ.ડી. પર 15 ઓગસ્ટ સુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- શિક્ષકો સદર પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવા અન્ય પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકશે. આ ઉપરાંત જી.સી.ઈ.આર.ટી.ની વેબસાઈટ પર અગાઉના વર્ષની સામયિક મૂલ્યાંકન કસોટી તેમજ પ્રશ્નબેંક ઉપલબ્ધ છે. કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો પણ ઉપયોગ કરી શકશે.
- સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રો શાળા ફાઈલે રાખવાના રહેશે.
- દર ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે. આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકન ના ભાગરૂપે સત્રાંત/વાર્ષિક પરિણામપત્રકમાં ગણવાના રહેશે.
- દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્નબેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળાકક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે.
- આ કસોટીના માર્ક્સની એંટ્રી માટે સમગ્ર શિક્ષા દ્વારા જે મુજબ સુચના મળે તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
- સદર પરીક્ષાના સુચારુ અમલીકરણ માટે પરીક્ષા દરમિયાન મોનીટરીંગ સ્ટાફ (CRC-BRC કો-ઓર્ડિનેટર, BRP, કેળવણી નિરીક્ષક, TPEO, SSA જિલ્લા કો-ઓર્ડિનેટર, DIET લેક્ચરર વગેરે) દ્વારા સઘન મોનીટરીંગ કરાવવાનું રહેશે.
- આપના તાબાની તમામ શાળાઓમાં સદર ત્રિમાસિક કસોટી આયોજન કરવા માટે જણાવવામાં આવે છે.
પ્રથમ સત્રાંત કસોટી :
- પ્રથમ સત્રાંત કસોટી ધોરણ 3 થી 8ની તા.22/10/26 થી 30/10/26 દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક આ સાથે (પરિશિષ્ટ- બ) સામેલ છે. સદર કસોટી માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે અને તે મુજબ સંબંધિત જિલ્લા/કોર્પોરેશન/નગરપાલિકા શિક્ષણ સમિતિઓ દ્વારા કામગીરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
- ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત કસોટીઓ માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ)ને આપવામાં આવશે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટીપત્રો તૈયાર કરી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને સોંપવામાં આવશે. આ વર્ષથી સત્રાંત કસોટીમાં 30% પ્રશ્નો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રકારનાં Learning Outcome (LO) આધારિત પૂછવાનાં રહેશે.
- સદર કસોટીમાં ધોરણ 3 થી 8ના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર પ્રથમ સત્રનો જૂનથી ઓક્ટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.
- સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલ માળખા (પરિરૂપ) મુજબ શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે. બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ નિયત માળખા (પરિરૂપ)ના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલ સમયપત્રક મુજબ યોજી શકશે.
- સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોનાં સમાન કસોટીપત્રો સમાન સમયપત્રકના આધારે અમલી કરવાનાં રહેશે.
- ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને કસોટીપત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે.
- સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે.
- સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે.
- જે શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં પણ તમામ ધોરણની તમામ વિષયોની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે.
- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા તૈયાર કરવામાં આવેલ કસોટીપત્રોના છાપકામ, પેપરના પ્રૂફ, ભાષાશુદ્ધિની જવાબદારી જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ /નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રહેશે.
- ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે.
- સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે.
- સમાવેશી શિક્ષણ અંતર્ગત પરીક્ષા પત્રક્રમાંક: જીસીઈઆરટી/સીએન્ડઈ/2025/983-1128 09/01/2025 અન્વયે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આપેલ સૂચનાઓને ધ્યાને લેવાની રહેશે.
- કસોટીના પરિણામની ઓનલાઈન ડેટાએન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે.
- સદર પરીક્ષાના સુચારુ અમલીકરણ માટે પરીક્ષા દરમિયાન મોનીટરીંગ સ્ટાફ( CRC-BRC કો-ઓર્ડિનેટર, BRP, કેળવણી નિરીક્ષક, TPEO, SSA જિલ્લા કો-ઓર્ડિનેટર, DIET લેક્ચરર વગેરે) દ્વારા સઘન મોનીટરીંગ કરાવવાનું રહેશે.
- પરીક્ષા અંગેની વખતોવખતની સૂચનાઓને ધ્યાને લેવાની રહેશે. પરીક્ષા અંગેની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોપનીયતાની ગંભીર તકેદારી રાખવાની રહેશે.
Tags
પરિપત્રો


