ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન (વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન) 2026 – 27ના આયોજન બાબત આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
NCERT, New Delhi દ્વારા વર્ષ 2026 – 27 માટેના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના પ્રસિદ્ધ કરેલ મુખ્ય અને પેટા વિષયોના આધારે રાજ્યમાં વિવિધ કક્ષાએ યોજવાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2026 – 27 માટે નીચે દર્શાવ્યા મુજબના વિષયો નક્કી કરવામાં આવે છે.
Theme – મુખ્ય વિષય :
Science, Technology, and Innovation for a Sustainable and Viksit Bharat
ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન
Subtheme – પેટા વિષય :
1. (A) Artificial Intelligence (AI) for Better Life [બહેતર જીવન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)]
(B) Mathematical Modelling and Computational Thinking [મેથેમેટિકલ મોડેલિંગ અને કમ્પ્યુટેશનલ થિંકિંગ]
2. Green Energy & Environmental Conservation [હરિત ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ]
3. Health, Hygiene, and Sanitation [આરોગ્ય અને સ્વચ્છતા]
4. (A) Indigenous Agricultural Practices [સ્વદેશી કૃષિ પદ્ધતિઓ]
(B) Science for Rural Transformation [ગ્રામીણ રૂપાંતરણ માટે વિજ્ઞાન]
5. Disaster Management [આપત્તિ વ્યવસ્થાપન]
One-Day Seminar Topic – એક દિવસીય સેમિનારનો વિષય :
1. STEM for Climate Action [આબોહવાલક્ષી કાર્યો માટે STEM]
2. Non-Communicable Diseases: Causes and Preventive Measures [બિનચેપી રોગો: કારણો અને નિવારક પગલાં]
આપની કક્ષાએથી ઉપરોક્ત વિષયોની જાણ આપના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ તમામ શાળાઓ, CRC, BRC તેમજ SVSને જાણ તેમજ શાળાઓને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનોમાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવા વિનંતી છે.
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2026 – 27ના આયોજન માટેની સામાન્ય માર્ગદર્શક સૂચનાઓ :
પ્રત્યેક જિલ્લામાં વિવિધ કક્ષાએ યોજવાના પ્રદર્શનોના સુચારુ અને અસરકારક આયોજન માટે જિલ્લા કક્ષાએ એક સંકલન સમિતિની રચના કરવાની રહેશે. સદર સમિતિમાં પ્રાચાર્યશ્રી, સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રી અને વિજ્ઞાન સલાહકારશ્રી મુખ્ય સભ્યો રહેશે. જિલ્લા કક્ષા સુધીના પ્રદર્શનોના આયોજન અને અમલીકરણના સંદર્ભમાં જિલ્લાની સંકલન સમિતિનો નિર્ણય આખરી રહેશે.
જિલ્લામાં વિવિધ કક્ષાએ યોજવાના પ્રદર્શનોના આયોજન માટે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવાનું રહેશે. સદર બેઠકમાં સંકલન સમિતિના મુખ્ય સભ્યો ઉપરાંત જિલ્લામાં વિવિધ કક્ષાએ પ્રદર્શનોના આયોજનમાં માર્ગદર્શક અને મદદરૂપ થઈ શકે તેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સમુદાયના સભ્યોને આમંત્રિત કરી શકાશે.
તમામ કક્ષાઓએ પ્રદર્શનના આયોજન દરમિયાન સ્વચ્છતા, સ્વાસ્થ્ય, સલામતી, પ્રાથમિક સુવિધાઓ અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓની જિલ્લાના અધિકારીશ્રીઓ દ્વારા ચકાસણી કરી આયોજન કરવાનું રહેશે. જિલ્લા કક્ષાની સંકલન બેઠકમાં આ તમામ પાસાઓ ધ્યાને રાખી પ્રદર્શનો માટેના સ્થળોની પસંદગી કરવામાં આવે તે અપેક્ષિત છે.
ક્લસ્ટર (CRC) અને શાળા વિકાસ સંકુલ (SVS) કક્ષાના પ્રદર્શનોમાં જિલ્લાની તમામ શાળાઓ ભાગ લે તે માટે સંકલન સમિતિ દ્વારા શાળાઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું તેમજ આવશ્યક અનુકાર્ય કરવું.
જિલ્લામાં પ્રદર્શનોની શરૂઆત પહેલાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા GCERT AWP & Budget 2026 – 27, EDN Appendix 1, Sr. No. 5, page no. 38 અનુસાર માર્ગદર્શન કાર્યશાળાનું આયોજન કરવું.
પ્રત્યેક જિલ્લામાં પ્રાથમિક વિભાગ માટે શાળા (School), ક્લસ્ટર (CRC), બ્લોક (BRC - URC), જિલ્લા (District) આ રીતે ક્રમિક કક્ષાઓ (levels)માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનોનું આયોજન કરવાનું રહેશે.
પ્રત્યેક જિલ્લામાં માધ્યમિક વિભાગ (ધોરણ 9 થી 12) માટે શાળા (School), શાળા વિકાસ સંકુલ (SVS), જિલ્લા (District) આ રીતે ક્રમિક કક્ષાઓ (levels)માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનોનું આયોજન કરવાનું રહેશે. સમગ્ર આયોજન દરમિયાન ધોરણ 9 થી 12ને એક સળંગ એકમ ગણવાનો રહેશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એવા જુદા વિભાગ ગણવાના રહેશે નહીં.
જિલ્લા કક્ષાના પ્રદર્શનો બાદ ઝોન (Zone) અને રાજ્ય (State) કક્ષાના પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે.
CRC, બ્લોક અને SVS કક્ષાના પ્રદર્શનોમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વતી સંબંધિત તાલુકા લાયઝન વ્યાખ્યાતાશ્રીએ સંકલનકાર તરીકે જિલ્લા વિજ્ઞાન સલાહકારશ્રીના માર્ગદર્શનમાં કાર્ય કરવાનું રહેશે.
જિલ્લા કક્ષાના પ્રદર્શનોમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વતી સંકલનકાર તરીકે જિલ્લા વિજ્ઞાન સલાહકારશ્રીએ કાર્ય કરવાનું રહેશે અને તાલુકા લાયઝન વ્યાખ્યાતાશ્રીઓએ તેમને આવશ્યક સહયોગ આપવાનો રહેશે.
વિવિધ કક્ષાઓએ યોજવાના પ્રદર્શનો માટેની ગ્રાન્ટની ફાળવણી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોને ઓનલાઈન કરવામાં આવશે.
આ પ્રદર્શનના આયોજન અને અમલીકરણ સંદર્ભે આવશ્યક ગ્રાન્ટ સંબંધિત પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના હવાલે મૂકવામાં આવશે. આ ગ્રાન્ટમાંથી સરકારી નિયમોનુસાર/GeM મારફત પ્રક્રિયા હાથ ધરી નાણાકીય ઔચિત્યના નિયમો અનુસાર ખર્ચ કરવાનો રહેશે.
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના આયોજનના સંદર્ભમાં આમંત્રણ પત્રિકા, ઓળખપત્ર, ભોજનપાસ, પ્રમાણપત્ર, સ્ટેશનરી, મંડપ, સાઉન્ડ સિસ્ટમ, ચા-નાસ્તો, ભોજન, નિર્ણાયકોને સરકારશ્રી દ્વારા નિયત નિયમોનુસાર TA – DA અને માનદ વેતન, શાળાઓના માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીઓને TA, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, પ્રોત્સાહક ઇનામો, સાંસ્કૃતિક કાર્યક્રમ, તથા અન્ય ઉચિત આનુષંગિક ખર્ચ જેવા હેડ હેઠળ ખર્ચ કરી શકાશે.
પ્રત્યેક કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં NCERT માર્ગદર્શિકામાં આપેલ મૂલ્યાંકન માપદંડ અને માળખા અનુસાર મૂલ્યાંકન કરવાનું રહેશે.
મૂલ્યાંકન કામગીરી માટે વિભાગ દીઠ બે નિર્ણાયકોની સેવા લેવાની રહેશે.
- નિર્ણાયક તરીકે જિલ્લાની વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ, ટેક્નોલોજી વિજ્ઞાન ક્ષેત્રે કાર્યરત કોલેજો/પ્રતિષ્ઠિત સંસ્થાઓના તજજ્ઞો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો – અધ્યાપન મંદિરો, શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓના વ્યાખ્યાતાઓ, કૃષિ સંસ્થાઓ, ઔદ્યોગિક સંસ્થાઓના તજજ્ઞો વગેરે જેવા નિષ્ણાતોની સેવા લઈ શકાશે.
- નિર્ણાયકો દ્વારા નિયત મૂલ્યાંકન માળખા આધારે કરવામાં આવેલ ગુણાંકન અનુસાર વિભાગવાર શ્રેષ્ઠ મોડેલ્સને ઉપરથી નીચેના ક્રમે (ક્રમાંક 1, 2, 3… મુજબ) નોમિનેટ કરવાના રહેશે.
- પ્રદર્શનમાં સ્પર્ધાના તત્ત્વને દૂર કરવાના હેતુથી સમાપન સમારોહ ન યોજવા અને મોડેલને નંબર ન આપવાના અભિગમને અપનાવવાનો રહેશે. બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી તમામને એક સમાન પ્રમાણપત્રો, સ્મૃતિચિહ્ન, પુસ્તક, શૈક્ષણિક કિટ કે અન્ય પ્રોત્સાહક ઈનામ આપવા.
- આ વર્ષ માટે ઉપયોગમાં લેવાના માહિતીપત્રકોમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. આથી વર્ષ 2025 – 26માં ઉપયોગમાં લેવાયેલ માહિતીપત્રકોમાં વર્ષ 2026 – 27 કરી તેમનો ઉપયોગ કરવાનો રહેશે.
- પ્રત્યેક જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને CRC કક્ષાથી જિલ્લા કક્ષા સુધીમાં યોજાયેલ તમામ પ્રદર્શનોને સંકલિત અહેવાલ તૈયાર કરવાનો રહેશે.
વિવિધ કક્ષા માટે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનોના આયોજન માટેની માર્ગદર્શક સૂચનાઓ :
ક્લસ્ટર (CRC) કક્ષા :
- આયોજન માટેનો સમયગાળો: 05 ઑક્ટોબર 2026 સુધીમાં પૂર્ણ કરવા.
- પ્રદર્શનના કુલ દિવસ: 01 (એક)
- મોડેલ ગોઠવણી, ઉદ્ઘાટન વગેરે કામગીરી સવારના 10:00 કલાક સુધીમાં પૂર્ણ કરવી.
- 10:00 કલાકથી 17:00 કલાક સુધી પ્રદર્શન ખુલ્લું રાખવું.
- ક્લસ્ટરમાંથી વિભાગ દીઠ 1 મોડેલ બ્લોક કક્ષાના પ્રદર્શન માટે નોમિનેટ કરવું.
શાળા વિકાસ સંકુલ (SVS) કક્ષા :
- આયોજન માટેનો સમયગાળો: 05 ઑક્ટોબર 2026 સુધીમાં પૂર્ણ કરવા.
- પ્રદર્શનના કુલ દિવસ: 02 (બે)
- પ્રથમ દિવસે મોડેલ ગોઠવણી, ઉદ્ઘાટન વગેરે કામગીરી પૂર્ણ કરવી.
- બીજા દિવસે સવારના 09:00 કલાકથી 17:00 કલાક સુધી પ્રદર્શન ખુલ્લું રાખવું.
- બીજા દિવસે ઉદ્ઘાટન અને સમાપન સમારોહ જેવા કાર્યક્રમો યોજવા નહીં.
- બીજો દિવસ સંપૂર્ણપણે મુલાકાતીઓ અને મૂલ્યાંકન કામગીરી માટે ફાળવવો.
- SVSમાંથી વિભાગ દીઠ 1 અથવા 2 મોડેલ જિલ્લા કક્ષાના પ્રદર્શન માટે નોમિનેટ કરવાં. (આ માટે જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં કુલ 50 થી 60 જેટલા મોડેલ આવે તે મુજબ ગણતરી કરી નિર્ણય લેવો.)
બ્લોક (BRC – URC) કક્ષા :
- આયોજન માટેનો સમયગાળો: 05 ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવા.
- પ્રદર્શનના કુલ દિવસ: 02 (બે)
- પ્રથમ દિવસે મોડેલ ગોઠવણી, ઉદ્ઘાટન વગેરે કામગીરી પૂર્ણ કરવી.
- બીજા દિવસે સવારના 09:00 કલાકથી 17:00 કલાક સુધી પ્રદર્શન ખુલ્લું રાખવું.
- બીજા દિવસે ઉદ્ઘાટન અને સમાપન સમારોહ જેવા કાર્યક્રમો યોજવા નહીં.
- બીજો દિવસ સંપૂર્ણપણે મુલાકાતીઓ અને મૂલ્યાંકન કામગીરી માટે ફાળવવો.
- બ્લોકમાંથી વિભાગ દીઠ 1 અથવા 2 મોડેલ જિલ્લા કક્ષાના પ્રદર્શન માટે નોમિનેટ કરવાં. (આ માટે જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં કુલ 50 થી 60 જેટલા મોડેલ આવે તે મુજબ ગણતરી કરી નિર્ણય લેવો.)
જિલ્લા (District) કક્ષા :
- આયોજન માટેનો સમયગાળો: 10 ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવા.
- પ્રદર્શનના કુલ દિવસ: 02 (બે)
- પ્રથમ દિવસે બપોરના 12:00 કલાક સુધીમાં મોડેલ ગોઠવણી, ઉદ્ઘાટન વગેરે કામગીરી પૂર્ણ કરવી.
- પ્રથમ દિવસે બપોરના 12:00 કલાકથી 17:00 કલાક સુધી પ્રદર્શન ખુલ્લું રાખવું.
- બીજા દિવસે સવારના 09:00 કલાકથી 16:00 કલાક સુધી પ્રદર્શન ખુલ્લું રાખવું.
- સમાપન સમારોહનું આયોજન કરવાનું ટાળવું. જો આયોજન કરવામાં આવે તો બીજા દિવસે 16:00 કલાકથી 17:00 કલાકમાં સમાપન સમારોહ પૂર્ણ કરવો.
- જિલ્લામાંથી પ્રત્યેક વિભાગ દીઠ 1 મોડેલને ઝોન કક્ષાના પ્રદર્શન માટે નોમિનેટ કરવું. (પ્રાથમિક વિભાગમાંથી 5 અને માધ્યમિક વિભાગમાંથી 5 = કુલ 10)
- જિલ્લા કક્ષાના પ્રદર્શન બાદ અને ઝોન કક્ષાના પ્રદર્શન પહેલાં ઝોન કક્ષા માટે નોમિનેટ કરવામાં આવેલ મોડેલ્સની શાળાઓ માટે મોડેલ રિફોર્મેશન વર્કશોપનું આયોજન કરવું. (GCERT AWP & Budget 2026 – 27, EDN Appendix 1, Sr. No. 28, page no. 41)
- પ્રત્યેક જિલ્લામાંથી ઝોન કક્ષાના પ્રદર્શન માટે શાળા વિભાગમાંથી પસંદ થયેલ મોડેલ્સ ઉપરાંત જિલ્લા દીઠ મહત્તમ 1 મોડેલ D.El.Ed. સંસ્થાઓમાંથી નોમિનેટ કરવું.
- એક દિવસીય સેમિનાર માટે આ વર્ષ માટે નિર્ધારિત વિષય માટે સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ તજજ્ઞને આમંત્રિત કરવા – બાળ વૈજ્ઞાનિકો સાથે તેમનો વાર્તાલાપ ગોઠવવો.
- જિલ્લામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી અને વિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે કે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના વિષયોના સંદર્ભમાં વિશિષ્ટ કાર્ય કરતી સંસ્થાઓને તેમનો સ્ટોલ તૈયાર કરી રજૂઆત માટે આમંત્રિત કરવી.
નોંધ:
CRC, SVS, Block અને District કક્ષાના પ્રદર્શનોના આયોજન માટે આપેલ સમયગાળો સૂચિત છે. તેમાં જિલ્લાની સ્થાનિક પરિસ્થિતિને આધીન જિલ્લાની સંકલન સમિતિ યોગ્ય ફેરફાર કરી શકે છે પરંતુ CRC, SVS અને Block કક્ષાના પ્રદર્શનો પ્રથમ સત્ર પૂર્ણ થતાં પહેલાં અને District કક્ષાનું પ્રદર્શન 10 ડિસેમ્બર પહેલાં અચૂકપણે પૂર્ણ કરવાના રહેશે.
ઝોન (Zone) કક્ષા :
આયોજન માટેનો સમયગાળો: હવે પછીથી જાહેર કરવામાં આવશે.
પ્રદર્શનના કુલ દિવસ: 02 (બે)
પ્રથમ દિવસે બપોરના 14:00 કલાક સુધીમાં મોડેલ ગોઠવણી અને ઉદ્ઘાટન વગેરે કામગીરી પૂર્ણ કરવી.
પ્રથમ દિવસે 14:00 કલાકથી 17:00 કલાક સુધી પ્રદર્શન ખુલ્લું રાખવું.
બીજા દિવસે સવારના 09:00 કલાકથી 17:00 કલાક સુધી પ્રદર્શન ખુલ્લું રાખવું.
સમાપન સમારોહનું આયોજન કરવું નહીં.
ઝોનમાંથી પ્રત્યેક વિભાગ દીઠ 2 મોડેલને રાજ્ય કક્ષાના પ્રદર્શન માટે નોમિનેટ કરવું. (પ્રાથમિક વિભાગમાંથી 10 અને માધ્યમિક વિભાગમાંથી 10 = કુલ 20)
ઝોનમાંથી D.El.Ed. વિભાગમાંથી પ્રદર્શનના પ્રત્યેક વિભાગ (sub theme) દીઠ 1 મોડેલને રાજ્ય કક્ષાના પ્રદર્શન માટે નોમિનેટ કરવું. (D.El.Ed. વિભાગ કુલ 5 મોડેલ્સ)
એક દિવસીય સેમિનાર માટે આ વર્ષ માટે નિર્ધારિત વિષય માટે યજમાન કે ઝોનના જિલ્લાઓમાં ઉપલબ્ધ તજજ્ઞને આમંત્રિત કરવા – બાળ વૈજ્ઞાનિકો સાથે તેમનો વાર્તાલાપ ગોઠવવો.
યજમાન જિલ્લામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી અને વિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે કે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના વિષયોના સંદર્ભમાં વિશિષ્ટ કાર્ય કરતી સંસ્થાઓને તેમનો સ્ટોલ તૈયાર કરી રજૂઆત માટે આમંત્રિત કરવી.
પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને નિયમોનુસાર TA આપવાનું રહેશે.
રાજ્ય (State) કક્ષા :
- આયોજન માટેનો સમયગાળો: હવે પછીથી જાહેર કરવામાં આવશે.
- પ્રદર્શનના કુલ દિવસ: 01 + 03 (એક + ત્રણ)
- પ્રથમ દિવસે સાંજના 18:00 કલાક સુધીમાં મોડેલ ગોઠવણીની કામગીરી પૂર્ણ કરવી.
- બીજા દિવસે સવારના 10:00 કલાક સુધીમાં ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ કરવો.
- બીજા દિવસે સવારના 10:00 કલાકથી 17:00 કલાક સુધી પ્રદર્શન ખુલ્લું રાખવું.
- ત્રીજા દિવસે સવારના 10:00 કલાકથી 17:00 કલાક સુધી પ્રદર્શન ખુલ્લું રાખવું.
- ચોથા દિવસે સવારના 09:00 કલાકથી 14:00 કલાક સુધી પ્રદર્શન ખુલ્લું રાખવું.
- સમાપન સમારોહનું આયોજન કરવું નહીં.
- એક દિવસીય સેમિનાર માટે આ વર્ષ માટે નિર્ધારિત વિષય માટે તજજ્ઞને આમંત્રિત કરવા – બાળ વૈજ્ઞાનિકો સાથે તેમનો વાર્તાલાપ ગોઠવવો.
- વિજ્ઞાન અને ટેક્નોલોજી અને વિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે કે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના વિષયોના સંદર્ભમાં વિશિષ્ટ કાર્ય કરતી સંસ્થાઓને તેમનો સ્ટોલ તૈયાર કરી રજૂઆત માટે આમંત્રિત કરવી.
- પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને નિયમોનુસાર TA આપવાનું રહેશે.
